Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ
Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ
'મહિલા નેતૃત્વ દિવસ' ઉજવણી વિશેષ લેખ શ્રેણી:-
કડજોદરા ગામની બાલિકા સરપંચ દિયા મહિલા આઇ.પી.એસ બનવા માંગે છે : 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક કાલ્પનિક વિચાર જ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.'- દિયા ત્રિવેદી
ગાંધીનગર,શનિવાર
‘નારી વંદન ઉત્સવ’ના ચોથા દિવસે 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરતી મહિલાઓને સન્માનિત કરવાનો અવસર. આ અવસરે આપણા ઇતિહાસ પર નજર દોડાવીએ તો ભૂતકાળ નારી નેતૃત્વ અને શૌર્યથી ભરેલી અનેક ગાથાઓ થકી સમૃધ્ધ જોવા મળે છે. જે એ વાતની સાક્ષી છે કે નારીમાં નેતૃત્વના ગુણ હંમેશા રહેલા છે. જરૂર છે માત્ર એક અવસરની.
આજ વાતને અનુલક્ષીને નેતૃત્વના ગુણને બાળપણથી જ વિકસાવવા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકા પૈકી દહેગામ તાલુકાના ૯૩ માંથી ૮૮ ગામોમાં, કલોલના ૫૫ ગામમાં, ગાંધીનગર તાલુકાના ૬૦ માંથી ૫૮ ગામ તથા માણસા તાલુકાના ૮૧ માંથી ૬૧ ગામ મળી કુલ ૨૬૨ ગ્રામ પંચાયતોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી નિમિત્તે તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ ગામોની દીકરીઓ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન વગેરે જેવા ૨૮ સભ્યોની ભૂમિકા અદા કરી એક દિવસનું નેતૃત્વ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સિવાય ગત વિધાનસભા સત્રમાં પણ બાલિકાઓ દ્વારા વિધાનસભા સત્રની એક દિવસની કામગીરી સંભાળી ગર્વભેર નેતૃત્વના ગુણ થકી ઉપસ્થિત સૌને દિકરીઓએ પ્રભાવિત કર્યા હતા.આ સઘળા કાર્યક્રમોનો હેતુ બાલિકાઓમાં બાળપણથીજ નીડરતા અને હિમ્મત ભર્યો નેતૃત્વનો ગુણ વિકસાવવાનો છે.
આ બંને કાર્યક્રમ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું કડજોદરા ગામ પ્રથમ એવું ગામ બન્યું છે જ્યાં ડિસેમ્બર, ૨૦૨૩માં સૌપ્રથમ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી.
કડજોદરા ગામના સરપંચશ્રી ઝાલા અર્જુનસિંહ આ અંગે જણાવે છે કે, ગામની ૧૧ થી ૧૬ વર્ષ સુધીની ૧૩ દીકરીઓને એકત્રિત કરી ગામમાં બાલીકા પંચાયતની રચના કરવામાં આવી છે. જેમાં ૧૫ વર્ષની દીકરી દિયા ત્રિવેદી બાલિકા સરપંચ છે. અરવિંદ સિંહ આ કામગીરી અંગે જણાવતા કહે છે કે, "દીકરીઓ બાલિકા પંચાયત અંતર્ગત ખરેખર સુંદર કામગીરી કરી રહી છે. દર મહિને બે વખત આ બાલિકા પંચાયતની સભા મળે છે, અને ગામમાં અયોગ્ય લાગતી બાબતો અથવા સુધારા કરવા લાયક યોગ્ય નિર્ણયો લેવા તરફ પણ તેઓ અમારું ધ્યાન દોરે છે. બાલિકા પંચાયતમાં દીકરીઓનું નેતૃત્વ જોતાં ચોક્કસ હું એવું કહી શકું કે આગળ જતાં આ દીકરીઓ ગામ, જિલ્લા અને દેશનું નામ અવશ્ય રોશન કરશે."
કડજોદરા બાલિકા પંચાયતના બાલિકા સરપંચ દિયા ત્રિવેદી જણાવે છે કે, ગામમાં જ્યારે બાલિકા પંચાયતની શરૂઆત કરવામાં આવી એ પછી ગામની ઘણી બધી બહેનોના પ્રશ્નોને બાલિકા પંચાયત દ્વારા સમાધાન મળ્યું છે. દર અઠવાડિયે ગામમાં ઘરે ઘરે જઈ દિયા અને પંચાયતના અન્ય સભ્યો તેમના જેવી બીજી દીકરીઓની તકલીફ અથવા પ્રશ્નો જાણવાની કોશિશ કરે છે. બાલિકા પંચાયત ગામની દિકરીઓનો અવાજ બની છે અને દીકરીઓને આગળ વધવામાં પણ મદદ કરી છે. મહિનામાં બે વખત બાલિકા સભા યોજી બધી દીકરીઓ ભેગી મળે છે, ખુલ્લા મને તેઓ પોતાની દુવિધા બાલિકા પંચાયત સામે રજૂ કરે છે. બાલિકા સરપંચ તેમનો અવાજ બની સમસ્યાને સમાધાન સુધી પહોંચાડવાના પ્રયત્નો પણ કરે છે. ક્યારેક શિબીરો યોજી આ વિષયો અંતર્ગત અન્ય તજજ્ઞો દ્વારા સમજ અને આત્મ રક્ષણની તાલીમ પણ યોજે છે. ઉપરાંત સેનેટરી પેડ નું વિતરણ, રસોઈ સ્પર્ધા, કેશગુફન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરે
જેવી એક્ટિવિટી દ્વારા ગામની દીકરીઓની આવડત બહાર લાવવાની દિશામાં પણ કાર્ય કરે છે.
કડજોદરા ગામની આ બાલિકા સરપંચ દિયા ત્રિવેદી હાલ ધોરણ-૧૧ માં અભ્યાસ કરે છે. અને આગળ જતાં કિરણ બેદીની જેમ આઇ.પી.એસ અધિકારી બનવા ઈચ્છે છે. દિયાનાં નેતૃત્વ ગુણ જોતા તેના આદર્શ મહિલા અંગે પૂછવામાં આવતા તે જણાવે છે કે, દેશના પહેલા આઇ.પી.એસ મહિલા કિરણ બેદી તેના આદર્શ છે. અને તેમની માફક દિયા પણ નીડર મહિલા બનવા માંગે છે. દિયા જણાવે છે કે 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક કાલ્પનિક વિચારજ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.' સાથેજ દિયા મુખ્યમંત્રીશ્રી અને મહિલા બાળ વિકાસ વિભાગનો આભાર વ્યક્ત કરતા ઉમેરે છે કે,’બાલિકા સરપંચ બનવાની તકે મને સાચા નેતૃત્વના સિધ્ધાંતો શિખવાનો અવસર આપ્યો છે. જેના થકીજ હું સ્વયંની ઓળખ કરી શકી અને આત્મવિશ્વાસ વધારી શકી છું.’
આમ, દિયા ત્રિવેદી જેવી દીકરીઓ જિલ્લાના દરેક ગામમાં છે જે સફળ નેતૃત્વ કરી રહી છે. આવી દીકરીઓને જરૂર છે માત્ર એક અવસરની.... આ એ દીકરીઓ છે જે મહિલા નેતૃત્વનાં વિચારને નવી દિશા આપે છે....
આલેખન:-
જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર
Comments
Post a Comment